“ચિતરી ચડે એવા મકાઈ ના બટકુ રોટલા માટે ટળવળતા હાડપિંજરો, તળીયાઝાટક ખપી ગયેલા કાદવીયા પાણીવાળા ગંદા કુવા સામે જોઇ નિસાસો મુકી આવી થાકેલા ઢોર, કાંટા ઝીકેલા સુના સુના ઝુપડા, લગભગ પુરેપૂરી નગ્નાવસતા ભોગવતી તરુણ કુમારીઓ , સ્ત્રીઓ અને બાળકોના ટોળેટોળા ઓ આખો દિવસ નીચા નમી ને જણ જેવા સુકા ખેતરો માંથી ઘાસના બીજવાળી વાળીને મહા મહેનતે પાશેર અરધોશેર ભેગા કરતા જોઉ છું. બે અઢી આનાના રોજ સારુ, પાંચ પાંચ દશ દશ ગાઉ દુરથી ઘરબાર છોડી ને આવેલા સેકડો પુરુષો ને, સડક પર અને ચુનાની ભઠી઼ ઉપર આખો દિવસ પત્થર ફોડતા નિહાળું છું. કાંઈ પણ બિછાના વગર, કડકડતી ઠંડીમાંથી બચવા માટે, તાપણી પાસે ધરતી માતાનું શરણુ લઇને સુતેલી અને પોતાના બાળકો ની પોતાના આછા કપડા થી અને હુફાળા અંગથી ઢાંકવાનો મિથ્યા પ્રયત્ન કરતી સ્ત્રીઓની કલ્પના, મગજને ભમાવે છે. આ સ્થિતિ જોઇએ કુદરત પણ લાજે તો શું મનુષ્ય નહિ શરમાય?